"કાંકરેજ" શબ્દ આપણી દેશી ગાયના બે બળદોની જોડી પરથી ઉતરી આવેલો છે.
જે પ્રદેશમાં સવાઈ અને રવાઈ ચાલના પડછંદ અને શક્તિશાળી બળદો તૈયાર થતા એ આખો પ્રદેશ બે બળદોની જોડી "કાંકરેજ" ઉપરથી કાંકરેજ પ્રદેશ તરીકે ઓળખાવા લાગ્યો.
કાંકરેજ એટલે રવાઈ અને સવાઈ ચાલની વિશિષ્ટ જોડી ધરાવતા બે બળદોની જોડી એવો એક અર્થ નીકળે છે.
મૂળ આ પ્રજાતિ મથુરાથી આવી એટલે એનું નામ પણ ત્યાંથી આવ્યું હોઈ શકે.
કેમ કે કાંકરેજ શબ્દમાં મથુરાની શૌરસેની ભાષાની અસર દેખાય છે.
દંતકથાઓમાં એવું છે કે.
રાજા જનક પાસે એક એકથી ચડિયાતી કાંકરેજ બળદોની જોડ હતી.
આબુરાજથી આંજણાઓ આવ્યા ત્યારે અહીંના આખલાઓને નાથીને બળદ બનાવેલા અને ખેતી સાથે જોડાણ કર્યુ.
કૃષ્ણ સાથે ભગવાન બલરામ કેટલોક સમય કાંકરેજ તાલુકાના થરામાં રોકાયા હતા. અને બનાસ તટે ખેતી કરી હતી. એ દ્વારકા ગયા ત્યારે જે બળદો મૂકતા ગયા એ કાંકરેજ ઓલાદ..
થરાના સુથારોને ભગવાન બળરામે હળનું તૂંગુ બનાવતા શીખવ્યું હતું. એટલે તો આજેય થરાના સુથારો હળ માટે સમગ્ર ઉત્તર ગુજરાતમાં વખણાય છે.
બનાસ નદીનો આ પટ્ટો બીજા બધા કરતા વધારે પડતો કાંકરાળો છે. એટલે તો કાંકરેજનો રેત દુબઈની લેબમાં પાસ થયો અને ચણતર પ્લાસ્ટર માટે વિદેશમાં એક્સપર્ટ પણ થાય છે.
કાંકરેજ તાલુકાની કાંકરેજી ગાય વિશ્વમાં વખણાય છે. અહીં કેન્દ્ર સરકારે ગાયના સંવર્ધન માટે પશુ ઉછેર કેન્દ્ર ખોલેલુ છે. જેની પાસે ગીતા નામની દિવસનું 22 લિટર દૂધ આપતી દેશી ગાયો છે.
કાંકરેજ તાલુકો બનાસ નદીના કાંઠે વસેલો છે. એટલે કાંકરેજનું મરચું અને ડુંગળી પણ દેશ પ્રદેશમાં વખણાય છે.
આ પ્રદેશમાં વર્ષો સુધી વાઘેલા રાજપૂતોનું રાજ રહ્યું છે. અહીંના રાજાઓ ખૂબ ઉદાર હતા.
એટલે તો એમની જાગીરમાથી બે જાગીર બ્રાહ્મણોને આપી હતી. એમાંની એક રણાવાડા અને બીજી શીરવાડા. તેમજ અન્ય બે જાગીરો જુનાગઢના સિદ્ધ જોગીઓને આપી હતી. એક દેવદરબાર અને બીજી કેવળપુરીની થળી.
દેવદરબારનું શાશન નાથ પરંપરાના ઓઘડ સાધુઓ કરતા અને આજેય એમનું એટલું જ પ્રભુત્વ છે.
આ પ્રદેશના અઢારે આલમના કજીયા કંકાસનું નિવારણ આજે પણ દેવદરબારના મહંત કરે છે. હાલે સોળમા ગાદીપતિ તરીકે બળદેવનાથ બાપુ દેવદરબારની ગાદી સંભાળે છે.
નેપાળના રાજકુંવર ઓગડનાથે આ વિસ્તારમાં તપશ્ચર્યા કરી હતી. ઠેર ઠેર એમના પગલાં પૂજાય છે.
સમગ્ર વિશ્વના ભરવાડ સમાજની ગુરુગાદી કાંકરેજના થરામાં આવેલી છે. જ્યાં કૃષ્ણ ભગવાન રાતવાસો રોકાયા હતા.
શિહોરીમાં એક માત્ર ગાય માતાનું મંદિર આવેલું છે.
અંબેમાતાની આરતીમાં જે નગરીઓનો ઉલ્લેખ આવે છે. એ ત્રાંબાવટી (તેરવાડા) અને કંકાવટી (કાકર) કાંકરેજ પ્રદેશમાં આવેલા છે.
અહીંના સિદ્ધ સંત સદારામ બાપા થઈ ગયા. જેમને ગુજરાત સરકારે ગુજરાત ગરિમા એવોર્ડ આપેલો છે.
અહીંના જૈનો ડાયમન્ડ બજારમા વિશ્વમાં પંકાયેલા છે.
પેશ્વાઓએ રબારીઓની મધ્યસ્થીથી જામપુરાના સ્થાપક જામાજી સાથે સામાજીક સંબંધો બનાવ્યા હતા.
પણ પાછળથી જૈન ઋષિના શ્રાપથી જામપુર નગરનો નાશ થયો હતો.
આ પ્રદેશમાં અસંખ્ય પાળીયા અને ખાંભીઓ પણ આવેલી છે. ઉણમાં ક્ષત્રિયાણી રાજબાઈ માતા, આકોલીમા રબારીની દીકરી ઝાંઝુ માતા, રૂની ગામમાં બારોટની સાત બહેનો, બુકોલીમાં કોટડિયા વીર અને માનપુરાના પીર.
બીજી પણ ઘણી વાતો છે. આજેય ખનન દરમિયાન જામપુર, કસરા, તેરવાડા અને કાકર ગામમાંથી અદ્દભુત શિલ્પો મળી આવે છે..
કંડલા દિલ્હી નેશનલ હાઈવે કાંકરેજના મધ્યભાગમાંથી પસાર થાય છે. હવે ભારતમાલા પણ કાંકરેજ પ્રદેશમાંથી પસાર થવાનો છે.
પ્રખ્યાત : ભરવાડોનું વાળીનાથ મંદિર, દેવદરબાર જ્યાં દેવોની સભા ભરાતી, ગાય માતા મંદિર અને મરચું તથા ડુંગળી
પાટણના સ્થાપક વનરાજ ચાવડાનું રાજતિલક કાંકરેજની જૈન દીકરી શ્રીદેવીએ કર્યું હતું. અને પાટણ વસાવવા પૈસાની મદદ કરી હતી.
જો હજું પણ ખાંખાખોળા કરવામાં આવે તો ઘણુંય નીકળે એવું છે.
જગ્યા અને સમયના અભાવે કેટલીક વાતો ટાળી છે. તમારા ધ્યાનમાં આવી કોઈ ઘટના, પ્રસંગ કે ઈતિહાસ હોય તો મને મોકલી આપજો.
Post a Comment
Please do not enter any spam link in the comment box.