મહાકુંભ, મહાસ્નાન, પ્રયાગરાજ ૨૦૧૯
![]() |
| indian rakumbh mela 2019 |
- કુંભમેળો
કુંભમેળાની કલ્પના કરવી અશક્ય છે કે, જો તેને આપણે આંખોથી જોયો ના હોય. એવા દ્રશ્યો તે જેને આપણે ક્યારેય ના જોયા હોય, એવી પવિત્ર આત્માઓ કે જેમના દર્શનનો લાભ આપણને ક્યારેય ના મળ્યો હોય, ભાવનાઓના સાગર સમાન, એક ધાર્મિક સ્થાન કે જ્યાં તમે ક્યારેય પગના મુક્યો હોય. એક પ્રેમથી ભરેલો અતિથિ સ્તકાર, જેનો ક્યારેય અનુભવ ના થયો હોય. ભારતના ખૂણે ખૂણેથી આવેલા 5 કરોડથી વધારે લોકો, વિવિધ ભાષાઓ, વિવિધ પહેરવેશો, વિવિધ સંસ્કૃતિઓ, વિવિધ સંપ્રદાય આ બધી જ વિવિધતામાં એક આધારભૂત સમાનતા જેવા સત્યની શોધ માટેના વિવિધ રસ્તાઓ પામવા કુંભમાં આવે છે.
- આ છે કુંભ મેળો
પૃથ્વી પર થનારો સૌથી મોટો મેળો છે આ કુંભમેળો. ભારતીય હ્યદયને જોવાનું એક ઝરણું છે કુંભમેળો, કુંભમેળો એક આનંદનો તહેવાર છે. બધા જ દુઃખો અને ચિંતાઓથી મુક્ત બનીને જીવનની મધુરતા મેળવવાનો એક અવસર છે. માનવજીવનનો મહાઉત્સવ છે.
કુંભનો મેળો મુખ્યત્વે સાધુ અને સંતોનો મેળો છે, ભારતના ખૂણે-ખૂણેથી તેમના અખાડામાંથી આવેલા સાધુ-સંતો ત્યાં આવીને ડેરો જમાવે છે. જંગલો, પર્વતો, ગુફાઓ અને ખીણોમાં વસવાટ કરનાર સાધુઓ ત્યાં મહાસ્નાન માટે આવે છે. ચરેવેતી ચરેવેતીનાં સંકલ્પથી ભ્રમણ કરનાર તથા આશ્રમ કે અખાડાઓનું સંચાલન કરનારા સાધુ-સંતો કોઈ પણ પ્રકારનાં વગર આમંત્રણે અહીં આવે છે.
- કુંભમેળોનું સ્થાન
ચારેય દિશાઓથી લઈને, ગંગાથી લઈને કાવેરી સુધી, હિમાલયથી લઈને સહ્યાદ્રી સુધી જ્ઞાનનો પ્રવાહ, ધ્યાનનો પ્રવાહ, ચેતનાનો પ્રવાહ સમાઈ જાય છે, આ મહાકુંભ મેળામાં. અહિંયા દેશના દરેક ખૂણેથી સાધુ-સંતો, આચાર્યો, મહાત્માઓ, ગુરુઓ યાત્રાળુઓની વચ્ચે આવે છે તથા તેમના દૂર્લભ દર્શનનો લાભ આપે છે. દુર્ગમ સ્થળોથી આવતાં મહાત્માઓના સત્તસંગરૂપી જ્ઞાનની અમૃત વર્ષાનો લાભ ગ્રહસ્થોને મળે છે. આ અમૃતરૂપી જ્ઞાનને મેળવવા દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ કુંભમાં આવે છે.
સનાતન ધર્મને જાણવા માટેનો એક અવસર છે મહાકુંભ. એવું કહેવાય છે કે, જે લોકો ભારતને જાણવા કે સમજવા માગે છે, તેઓએ કુંભથી શરૂઆત કરવી જોઈએ. કુંભમેળો 4 પવિત્ર નદીઓના સંગમ સ્થાને યોજાય છે. પૂર્વ દિશામાં ગંગા નદીના કિનારે પ્રયાગમાં, પશ્ચિમમાં ક્ષીપ્રા નદીનાં કિનારે ઉજ્જૈનમાં, ઉત્તરમાં ગંગા નદીના કિનારે હરિદ્વારમાં અને દક્ષિણમાં ગોદાવરી નદીના કિનારે નાશિકમાં ભરાય છે. સનાતન ધર્મમાં નદીઓને ખૂબજ મહત્વ પૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. ભારતવર્ષમાં મોટા તીર્થો તેમજ મોટા ઉત્સવો નદીઓના કિનારે જ ઉજવવામાં આવે છે. તીર્થનો મતલબ જ એ થાય છે કે, જે સંસારરૂપી સાગરમાંથી ભવપાર કરાવી દે.
કુંભમેળોનું આયોજન મુખ્યત્વે દર 3 વર્ષે થતું હોય છે. આ મહામેળો 4 અલગ-અલગ સ્થળમાંથી કોઈ એક સ્થળે 12 વર્ષમાં એકવાર ભરાય છે. દર 3 વર્ષે એક અસ્થાઈ નગર બને છે અને એક મહિના પછી બીજા સ્થાને જવા માટે નીકળી પડે છે. ત્યારબાદ 12 વર્ષ પછી ફરીથી તેજ સ્થાને આવીને વસે છે. આથી કુંભને યાયવર સ્થાન કહીએ તો કાંઈ અતિશયોક્તિ નથી. પરંપરા મુજબ કુંભમેળાનું આયોજન અખાડાઓ દ્વારા કરવામાં આવે છે. આ અખાડાઓ અલગ-અલગ સાધુઓના સંગઠનોની રચના છે. કુંભમાં જોવા મળતી ભિન્નતાઓ તેમના દર્શન, આરાધ્ય દેવ, પૂજા પદ્ધતિઓ તથા તેમના સનાતન નિયમોમાં તેમના કર્તવ્યો પર આધારીત છે. હાલમાં 13 અખાડાઓ અસ્તિત્વમાં છે. તેમાં મોટા ભાગના તેમને આદિ ગુરૂ શંક્રાચાર્ય સાથે જોડાયેલા માને છે.
- કુંભમેળાનો ઈતિહાસ
કુંભ મેળો કેટલો પ્રાચીન છે, તે હજુ સુધી નિશ્ચિત કરી શકાયું નથી. કુંભ વિશેનો પ્રાચીન દસ્તાવેજ છઠ્ઠી શતાબ્દીમાં મળે છે. પ્રસિદ્ધ ચિની યાત્રી હ્યેન સાંગ તેમના યાત્રા વર્ણનમાં લખે છે કે, “દર છ વર્ષમાં પ્રયાગના ગંગા નદીના કિનારે બહુ મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. આ સમયે રાજા હર્ષવર્ધન પોતાનું વધુ જ દાનમાં આપી દેતા હતા અને ફક્ત તેમના પહેરેલા કપડાની સાથે પોતાના મહેલ પાછા ફરતા હતા.” પ્રયાગમાં અર્ધકુંભ પણ ભરાય છે, માટે કહી શકાય કે દર છ વર્ષે ત્યાં ભરાતા તે મેળાની વાત, કુંભમેળા વિશે જ કરી રહ્યાં હતાં.
કુંભમેળો ક્યાં અને ક્યારે ભરાશે તેનો નિર્ધાર ખગોળીય ઘટનાઓ પર આધારીત હોય છે. એવું માનવામાં આવે છે, આધ્યાત્મિક ઉર્જા આ સ્થળો પર તે સમયે સૌથી વધુ હોય છે. તેવું સાધુ-સંતોનું માનવું છે, જે કારણોસર ત્યાં કુંભમેળાનું આયોજન થાય છે. આ ખગોળીય ઘટનાઓમાં સૂર્યને આત્મા, ચંદ્રને મન અને ગુરુને ધર્મનો દેવતા માનવામાં આવે છે. જ્યારે ધર્મનું આચરણ કરવામાં આવે છે, ત્યારે મનની સુધી થાય છે અને મનની સુધીની સાથે આત્મદર્શનનો દ્વાર ખૂલે છે, આથી કુંભમેળો સાધકો માટે વિશેષ મહત્વ ધરાવે છે.
- કુંભમેળાની પ્રાચીનકથા
કુંભમેળા પાછળ ઘણી પ્રાચીન કથાઓ જોડાયેલી છે. જેમાં સમુદ્રમંથનની કથા ખાસ રીતે જોડાયેલી છે. સમુદ્રમંથન દરમિયાન નિકળેલા કુંભમાંથી અમૃતના ટીપાંઓ ધરતીના આ 4 સ્થાનો (પ્રયાગ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાશિક) પર પડ્યા હતાં, આથી ત્યાં કુંભમેળો ભરાય છે.
- કુંભમેળાની વિષેશતા
હિન્દુધર્મની એક વિષેશતા છે કે, સૃષ્ટીના દરેક રૂપમાં પવિત્રતાના દર્શન તથા કણ-કણમાં દિવ્યાતાનો અનુભવ કરે છે. કુંભમાં આવતાં શ્રદ્ધાળુઓમાં કોઈ પશુ-પક્ષીઓની પૂજા કરે છે, તો કોઈ નદીની પૂજા, તો કોઈ વૃક્ષોની પૂજા કરે છે. તો કોઈ નરને જ નારાયણ માનીને ભક્તિ કરે છે. કોઈ મૂર્તીઓની પૂજા કરે છે, તો કોઈ શાસ્ત્રોની પૂજા કરે છે. અહીંયા ગાય, નદી, તુલસી મા બની જાય છે. વૃક્ષો અને પર્વત રક્ષક બની જાય છે. નાગ દેવતા બની જાય છે અને વાંદરા મામા અને બિલાડી માસી બની જાય છે. હિન્દુઓ દરેક રૂપોમાં પોતાની આસ્થાને શોધી લે છે. સનાતન ધર્મ એ પ્રકૃતીના દરેક તત્વમાં ઈશ્વરને જુવે છે.
કુંભમાં કોઈ ખાસ તિથીએ સાધુ સંત એકત્રીત થઈને સ્નાન કરે છે, જેને અમૃત સ્નાન કે શાહી સ્નાન કહેવામાં આવે છે. આખા કુંભમાં તે દૃશ્ય ખાસ આકર્ષણનું કેન્દ્ર હોય છે. ત્યાં એક સાથે હજારો સાધુ સંતોનો એકસાથે દર્શન કરવાનો લાભ મળે છે. દિગંબર નાગા સાધુ પોતાના શરીર પર રાખ(ભભૂત) લગાવે છે, તેવો કહે છે કે, તે જ તેમનો સાચો સણગાર છે. સાધુઓના સ્નાન પછી તીર્થયાત્રીઓનું સ્નાન પણ આકર્ષણનું કેન્દ્ર બને છે.
કુંભમાં અનેક સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવે છે. આ પ્રદર્શનોમાં પ્રાચિન ભારત જ્ઞાન પરંપરાથી લઈને આધુનીક વિશ્વની વર્તમાન મુશ્કેલીઓ સાથે જોડાયેલી હોય છે. કુંભમાં લોકોને ભોજન તથા પાણીની વ્યવસ્થા સરકાર તથા સંસ્થાઓ કરે છે. તેમજ ઘણાં લોકો નિસ્વાર્થભાવે લોકોની સેવામાં જોડાય છે. કુંભના આટલા મોટા આયોજનમાં ઘણા લોકો દાન આપીને પૂણ્ય કમાય છે. જૂદા જૂદા મઠો, અખાડા, સામાજિક સંસ્થાઓમાં અખંડ અન્નક્ષેત્રો ચલાવવામાં આવે છે. કોઈ પણ સંત હોય કે પછી સામાન્ય માણસ બધાને બે હાથ જોડીને પુરા આદરભાવથી ભોજન કરાવે છે તથા ફરીથી આવવા માટેનું નિવેદન પણ તેઓ કરે છે.
કુંભમાં કોઈપણ વ્યક્તિ સાથે જાતિ આધારિત ભેદભાવ થતો નથી. ત્યાં ક્યા સંત કઈ જાતિના છે તે જોવામાં નથી આવતું, પરંતુ તેમના જ્ઞાનના આધારે ક્યા સાધુ શ્રેષ્ઠ છે તે ભક્તોની શોધ પર આધારિત છે. કુંભમાં સામાજિક સમરસતાં જોવા મળે છે.
- કુંભમેળાનું આયોજન
વર્ષ 2016માં કુંભમેળો ઉજજૈનમાં ભરાયો હતો. ઉજજૈનની જન સંખ્યા 5 લાખ છે જ્યારે કુંભમાં ઉજ્જૈન દ્વારા 5 કરોડ જેટલા લોકોની મેજબાની કરાઈ હતી. કુંભએ પૃથ્વી પર ઘટનારી આશ્ચર્યજનક ઘટનાઓમાંની એક ઘટના છે.
ચાલુ વર્ષ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ઘાટ પર 15 જાન્યુઆરી 2019ના મંગળવારના મકરસંક્રાંતિના પ્રથમ શાહીસ્નાનના અવસરની સાથે જ મહાકુંભનો પ્રારંભ થશે. 21 જાન્યુઆરી પોષ સુદ પૂર્ણિમા, 4 થી ફેબ્રૂઆરીએ મૌની અમાસ, 10 ફેબ્રૂઆરીએ વસંત પંચમી તથા 19 ફેબ્રૂઆરીના રોજ માઘ પૂર્ણિમાંએ વિશાળ જનસમૂહ પ્રયાગરાજમાં એકત્રીત થશે. 48 દિવસ સુધી ચાલનારા આ મહાકુંભના સ્નાનની પૂર્ણાહૂતી 4 માર્ચ સોમવારના મહાશિવરાત્રીના દિવસે થશે.
આ મહાકુંભ માટે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ₹.4048 કરોડની 366 યોજનાઓ શરૂ કરી છે. આખા કુંભ વિસ્તારને 4 ખંડોમાં વિભાજિત કરવામાં આવશે. તેમના નામ કલ્પવૃક્ષ, કુંભ કૈનવાસ, વૈદિક સિટી ટેન્ટ, ઈન્દ્ર પ્રસ્થમ સિટી રાખવામાં આવ્યા છે.
કુંભએ માનવ જીવનને ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ઉચ્ચતમ લક્ષની તરફ આગળ લઈ જાય છે. કુંભમેળો ભારતીય ચિંતનનું પ્રગટ સ્વરૂપ છે. જે માનવના અસ્તિત્વને ભૌતિક, બૌધિક અને આધ્યાત્મિક ત્રણે રૂપોમાં જુવે છે. કુંભમેળો ભારતીય સભ્યતા દ્વારા રચવામાં આવેલ અદભુત રચના છે.
“હર..હર..મહાદેવ... અલખની રંજન..” “હર.. હર.. ગંગે..હર..હર.. મહાદેવ..”

Post a Comment
Please do not enter any spam link in the comment box.